દેશમાં સાયબર ક્રાઈમની વધતી ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ સાયબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરી છે. CBIએ ઘણા રાજ્યોમાં દરોડા પાડીને 26 સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા સાયબર ગુનેગારો પર સમગ્ર વિશ્વમાં લોકોને છેતરવાનો આરોપ છે. CBIએ ઓપરેશન ચક્ર-3 હેઠળ આ કાર્યવાહી કરી છે. આ અભિયાન હેઠળ CBIએ ગયા ગુરુવારે દેશમાં 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ચાર કોલ સેન્ટરો પર પણ દરોડા
સીબીઆઈએ ઓપરેશન હેઠળ જે સ્થળોએ દરોડા પાડ્યા તેમાં પુણે, હૈદરાબાદ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, સીબીઆઈએ રૂ. 58.45 લાખની રોકડ, અનેક લોકરની ચાવીઓ અને ત્રણ વૈભવી વાહનો જપ્ત કર્યા હતા. સીબીઆઈએ દરોડા દરમિયાન ચાર કોલ સેન્ટરો સામે પણ કાર્યવાહી કરી હતી, જેમાં પુણેના કોલ સેન્ટર વીસી ઈન્ફોર્મેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ, વિશાખાપટ્ટનમની ઈન્ફોર્મેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ, હૈદરાબાદના વાઈઝેક્સ સોલ્યુશન, વિશાખાપટ્ટનમની એટ્રિયા ગ્લોબલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
વિદેશમાં લોકોને છેતરવાનો પણ આરોપ છે
દરોડા દરમિયાન, સીબીઆઈએ 170 લોકોની પૂછપરછ કરી, જેઓ કોલ સેન્ટર દ્વારા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ઘણા આરોપીઓ પર વિદેશમાં બેઠેલા લોકોને છેતરવાનો અને પીડિતોની સિસ્ટમ હેક કરવાનો આરોપ છે. આરોપીઓએ પીડિતોને એમ કહીને લાલચ આપી કે તેમની ઓળખ ચોરાઈ ગઈ છે અથવા તેમના બેંક ખાતામાંથી ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવ્યા છે. ત્યારબાદ આરોપીઓએ પીડિતોને તેમના નાણાંકીય વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે તેમના નાણાં નવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહીને છેતરપિંડી કરી હતી. દરોડા દરમિયાન સીબીઆઈએ પુણેમાંથી 10, હૈદરાબાદમાંથી પાંચ અને વિશાખાપટ્ટનમમાંથી 11 સાયબર ગુનેગારોની ધરપકડ કરી હતી. સીબીઆઈએ મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા અને ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી છે.
આ પણ વાંચો – સુરક્ષા જ બની જીવનો દુશ્મન, એર બેગે લીધો 2 વર્ષની માસુમ બાળકીનો જીવ