શું તમે ક્યારેય સાંભળ્યું છે કે માછલીની ઉલટી પણ દાણચોરી કરી શકાય છે? પરંતુ આ સત્ય છે અને તેની કિંમત કરોડોમાં છે. તેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે.
થાણે ક્રાઈમ બ્રાન્ચના કલ્યાણ યુનિટે ત્રણ આરોપીઓ અનિલ ભોસલે, અંકુશ શંકર માલી અને લક્ષ્મણ શંકર પાટીલની વ્હેલની ઉલટીની દાણચોરીના આરોપમાં ધરપકડ કરી હતી. ત્રણેયને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ માહિતી થાણે પોલીસે આપી છે.
કરોડોમાં કિંમત કેમ?
વાસ્તવમાં, વ્હેલ માછલી દરિયામાં તમામ પ્રકારની નાની-મોટી વસ્તુઓ ખાઈ જાય છે. જ્યારે આ વસ્તુઓ પચાવી શકાતી નથી ત્યારે વ્હેલ ઉલટી કરે છે. આ ઉલ્ટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. તે મીણના ઘન પથ્થર જેવું લાગે છે અને તેનો રંગ ઘાટો છે.
બજારોમાં તેની કિંમત કરોડો રૂપિયા છે કારણ કે તેનો ઉપયોગ મોટી પરફ્યુમ ઉત્પાદક કંપનીઓ કરે છે. તેઓ માને છે કે તેમાંથી બનેલી સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ જ કારણ છે કે આ કંપનીઓ વ્હેલની ઉલટી માટે ઉંચી કિંમત ચૂકવે છે.
આ સિવાય વ્હેલની ઉલટીનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે. ઘણી જગ્યાએ તેમાંથી દવાઓ બનાવવામાં આવે છે. જાતીય રોગોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
ભારતમાં ઉલ્ટીના વેચાણ પર પ્રતિબંધ છે
વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 હેઠળ, વ્હેલની ઉલટી રાખવા અથવા વેચવા પર પ્રતિબંધ છે. આ સિવાય વ્હેલની કોઈપણ બાય-પ્રોડક્ટના વેપાર પર પણ પ્રતિબંધ છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઘણી માંગ છે. નિષ્ણાતો કહે છે કે ઇજિપ્તમાં સિગારેટને સ્વાદ આપવા માટે વ્હેલની ઉલટીનો ઉપયોગ કરવામાં આવે છે.