આરોગ્ય અને જીવન વીમો લેનારા વીમાધારકોને ડિસેમ્બર સુધી મોંઘી પોલિસીમાંથી રાહત મળી શકે છે. નવેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી પર GST દર ઘટાડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે 19 ઓક્ટોબરે મંત્રીઓના જૂથની બેઠક મળશે, જેમાં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ, અન્ય સામાન સંબંધિત GST સ્લેબમાં ફેરફાર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ઘણી વસ્તુઓ પર GST દર 12 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.
છેલ્લી બેઠકમાં કોઈ સહમતિ સધાઈ ન હતી
મંત્રી જૂથ GST સંબંધિત બે બાબતો પર વિચાર કરી રહ્યું છે. આમાં એક મુદ્દો આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર 18 ટકા જીએસટી છે, જેના પર તમામ વિપક્ષી પાર્ટીઓએ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ વાંધો ઉઠાવ્યો હતો. કાઉન્સિલની છેલ્લી બેઠકમાં, GST દર ઘટાડવા અંગે કોઈ સર્વસંમતિ સધાઈ શકી ન હતી, ત્યારબાદ આ મામલો મંત્રીઓના જૂથને મોકલવામાં આવ્યો હતો.
હવે મંત્રીઓનું 13 સભ્યોનું જૂથ હવે વિચારણા કરશે
આ મામલે સ્પષ્ટ રિપોર્ટ આપવા માટે રચાયેલ 13 સભ્યોનું મંત્રી જૂથ હવે વિચારણા કરશે. ગ્રુપના કન્વીનર બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી છે. શક્ય છે કે 19 ઓક્ટોબરની બેઠકમાં પાંચ ટકા જીએસટી વસૂલવા પર સહમતિ સધાય. ગ્રૂપ 30 ઓક્ટોબર સુધીમાં GST કાઉન્સિલને પોતાનો રિપોર્ટ સુપરત કરશે. જે બાદ નવેમ્બરની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
જીએસટીના દરોમાં સુધારો કરવાના પ્રયાસો પણ તેજ બન્યા છે
મંત્રીઓનું જૂથ GST દરોને તર્કસંગત બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે, જેની બેઠક 20 ઓક્ટોબરે યોજાવાની છે. આ બેઠકમાં ઘણી વસ્તુઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે. ટુ-વ્હીલર, બોટલ્ડ વોટર સહિત અનેક મહત્વની ચીજવસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. આવી લગભગ 100 વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો થઈ શકે છે, જ્યારે કેટલીક વસ્તુઓ પરના જીએસટી દરમાં વધારો પણ થઈ શકે છે.