વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે આછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમણે આગાહી કરી કે, વરસાદ તો આવશે જ, સાથે વાવાઝોડું પણ આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.
ઉત્તર ગુજરાતના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર અને અરવલ્લીમાં પણ આજે હળવો વરસાદ વરસી શકે છે.
મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં મોસમનો મિજાજ બદલાય શકે છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ઝરમર વરસાદ વરસી શકે છે. કચ્છ-સૌરાષ્ટ્રના છ જિલ્લામાં આજે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે., રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
બંગાળ ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે, જેમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
હાવ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહિ આવે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે.
ચોમાસાની સિઝનમાં કેટલા ડેમ થયા છલોછલ?
રાજ્યના 207 પૈકી 118 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. કચ્છ સૌરાષ્ટ્રના 97 જળાશયો છલોછલ થઇ ગયા છે તો મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 169 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 149 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો ક્યો કેટલો વરસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.
સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતું બાદમાં પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી. હાલ તાપમાન 10 સપ્ટેમ્બરથી ઉંચુ આવ્યુ છે. 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે.
તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાય છે.