ડિગ્રીવાળા સફાઈ કામદાર : દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે, તેનું બીજુ એક ઉદાહરણ હરિયાણામાં જોવા મળ્યું છે. અગાઉ ગુજરાતમાં અંકલેશ્વર ખાતે એક હોટલમાં નોકરીના ઈન્ટરવ્યૂ માટે યુવાનોએ પડાપડી કરી હતી. એવી જ બીજી ઘટના હરિયાણામાં સફાઈ કર્મચારીના ભરતી મેળામાં જોવા મળી હતી. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી પદ માટે 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમાંય ખાસ વાત એ છે કે, માત્ર પગાર ધોરણ માત્ર રૂ. 15 હજાર જ હતું.
કોન્ટ્રાક્ટ પર કર્મચારી બનવા માટે 39,990 ગ્રેજ્યુએટ અને 6112થી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોએ અરજી કરી છે. જ્યારે 12મું પાસ 117, 144 યુવાનોએ ફોર્મ ભર્યું છે. હરિયાણા કૌશલ રોજગાર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, એજન્સી સરકારી વિભાગો, બોર્ડ અને નિગમોમાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કર્મચારી નિયુક્ત કરે છે. જેને 15000 રૂપિયાનો પગાર મળશે. સફાઈ કર્મચારીઓને સાર્વજનિક જગ્યા, રસ્તા, ઈમારતોમાં સફાઈ, ઝાડૂ લગાવવા અને કચરો વીણવાનું કામ કરવાનું છે.
હરિયાણામાં વધી છે બેરોજગારી
હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર, આ વર્ષે હરિયાણામાં બેરોજગારી દરમાં વધારો થયો છે. 16 ઓગસ્ટથી જાહેર પીરિયાડિક લેબર ફોર્સ સર્વે અનુસાર, હરિયાણાના શહેરી વિસ્તારમાં 15થી 29 વર્ષના લોકોમાં બેરોજગારી દર એપ્રિલથી જૂન 2024ની ક્વાર્ટરમાં વધીને 11.2 ટકા થઈ ગયો, જ્યારે જાન્યુઆરીથી માર્ચમાં તે 9.5 ટકા હતો.