રાજસ્થાનનું કોચિંગ હબ કોટા ફરી એકવાર વિદ્યાર્થીની આત્મહત્યાને લઈને સમાચારોમાં છે. અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું ચલણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET)ની તૈયારી કરી રહેલા 21 વર્ષના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે કોટામાં આ વર્ષે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.
મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી પરશુરામ તરીકે થઈ છે. વિદ્યાર્થી છેલ્લા બે વર્ષથી કોટાના એક ખાનગી કોચિંગ સેન્ટરમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે NEETની તૈયારી કરી રહ્યો હતો.
NEET
જવાહર નગર પોલીસ સ્ટેશનના નાઈટ ડ્યુટી ઓફિસર સબ ઈન્સ્પેક્ટર ગોપાલ લાલ બૈરવાના જણાવ્યા અનુસાર, મથુરા જિલ્લાના માનપુર બરસાનાના રહેવાસી ઉચરમલનો 21 વર્ષીય પુત્ર પરશુરામ અનુપ કુમારના ઘરમાં ભાડે રહેતો હતો. બુધવારે રાત્રે 11:30 વાગ્યે મકાનમાલિક અનૂપ કુમારે પોલીસ કંટ્રોલ રૂમને વિદ્યાર્થીએ દરવાજો ન ખોલવાની જાણ કરી હતી.
માહિતી મળતાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દરવાજો તોડવામાં આવતાં વિદ્યાર્થી લટકતો જોવા મળ્યો હતો. મૃતકના મૃતદેહને એમબીએસ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો છે. રાત્રે જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો કોટા પહોંચી ગયા છે. ગુરુવારે વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.