“Gujarat government’s diplomatic efforts
Gujarat News: ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરોને સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ગુજરાતની પ્રથમ મુલાકાતે આવતા મુખ્યમંત્રીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઈ કમિશનર સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે અને કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે. એટલું જ નહીં, ગ્રીન હાઇડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતે વૈશ્વિક સ્તરે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે.
આ સંદર્ભમાં, લિન્ડી કેમરોને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સાથે મળીને આગળ વધવાની બ્રિટનની તૈયારી દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું કે બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરા (ભારતીય પ્રવાસી સમુદાય) અને ગુજરાતી સમુદાયોની સંખ્યા અને ત્યાંના ઉદ્યોગ અને વેપાર જગતમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. બ્રિટીશ હાઈ કમિશનરે ગુજરાતમાંથી રોકાણ માટે બ્રિટન આવવા ઈચ્છતા ઔદ્યોગિક રોકાણકારોને આવકારવા અને ટેકો આપવાની આતુરતા પણ વ્યક્ત કરી હતી. ગુજરાતમાં કાર્યરત બ્રિટિશ ઉદ્યોગ સાહસિકોને રાજ્ય સરકાર તરફથી મળી રહેલ સમર્થન બદલ તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં બ્રિટિશ હાઈ કમિશનરે જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા ક્ષેત્રે બ્રિટનની કુશળતાનો લાભ ગુજરાતને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમણે આ સંદર્ભમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) સાથે કરવામાં આવેલા સહયોગ વિશે પણ વિગતવાર માહિતી આપી હતી.
Gujarat News
ઓલિમ્પિક્સ-2036ના આયોજનમાં સહયોગ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઈ કમિશનરને જણાવ્યું હતું કે આગામી ઓલિમ્પિક-2036ની યજમાની માટે ગુજરાત પ્રાથમિક તૈયારીઓ કરી રહ્યું છે. તેમણે ખાસ કરીને ઓલિમ્પિકના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સને ઓલિમ્પિક સમાપ્ત થયા પછી લાંબા ગાળા માટે કેવી રીતે ઉપયોગી બનાવી શકાય તે અંગે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર સંદીપ સાગલે અને ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ-બી)ના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.