Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભલે માત્ર 1 મેડલ જીત્યો હોય પરંતુ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ વખતની ઓલિમ્પિક રમતો ભારતીય ખેલાડીઓ માટે ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓએ છેલ્લા ત્રણ દિવસની રમતમાં ત્રણ અલગ-અલગ ઈવેન્ટમાં પોતાના પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો હતો. શૂટિંગમાં મનુ ભાકર, બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગ અને પછી ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ ઓલિમ્પિકમાં થઈ ન હતી.
પેરિસ ઓલિમ્પિક 2024માં ચોથા દિવસે ભારત શૂટિંગમાં મેડલની રાહ જોઈ રહ્યું છે. Paris Olympics 2024 શૂટિંગમાં ભારતનું ખાતું ત્યારે જ ખુલ્યું જ્યારે મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે મિક્સ્ડ ઈવેન્ટમાં તે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે વધુ એક બ્રોન્ઝ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે બેડમિન્ટન ડબલ્સમાં ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેચ રદ કરવામાં આવી હતી. આ પછી આ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. મનિકા બત્રાએ મોડી રાત્રે ટેબલ ટેનિસ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેમની જીત સાથે ભારતીય ચાહકોની મેડલની આશા વધી ગઈ છે.
Paris Olympics 2024 પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચાયો
ભારતીય શૂટર મનુ ભાકરે મહિલા સિંગલ્સ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગે મેન્સ ડબલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા કોઈ ભારતીય જોડીએ આવું કારનામું કર્યું ન હતું. ટેબલ ટેનિસમાં મનિકા બત્રા ભારત વતી ઓલિમ્પિક પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.