BJP Chief Ministers: લોકસભા ચૂંટણીમાં ભાજપનો દેખાવ સારો રહ્યો ન હતો. આ વખતે પાર્ટી બહુમતીના નિશાનથી દૂર રહી. ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે ભાજપ હવે જોરદાર મંથન કરવા જઈ રહ્યું છે. ભાજપે આ મહિનાના અંતમાં પોતાના નેતાઓની એક મોટી બેઠક બોલાવી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આ બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે.
પીએમ મોદીએ ત્રીજી વખત સરકાર બનાવી
ગયા મહિને 4 જૂને યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે 240 અને કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને લોકસભામાં બહુમતી મળી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પોતાની સરકાર બનાવી. જો કે આ ચૂંટણીમાં ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.