Delhi Munak Canal: દિલ્હીના બવાનામાં મુનક કેનાલનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. શનિવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ હરિયાણામાંથી પાણી છોડવામાં આવ્યું છે, જે પછી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવાની આશા છે. આ પછી પાણીને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવશે. શનિવાર રાતથી જ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં પાણી પુરવઠો ઉપલબ્ધ ન હતો ત્યાં પાણી પુરવઠો શરૂ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
શુક્રવારે રાત્રે સમારકામ પૂર્ણ થયું
દિલ્હી સરકારના જળ મંત્રી આતિશીએ કહ્યું કે મુનક કેનાલ ડેમનું સમારકામ શુક્રવારની રાત્રે પૂર્ણ થયું. હરિયાણાએ શનિવારે સવારે 10:30 વાગ્યે કાકરોઈ હેડમાંથી પાણી છોડ્યું હતું. આ પાણી બપોરે 1:30 થી 2:00 વાગ્યા સુધી દિલ્હી પહોંચશે. દ્વારકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 4 વાગ્યાથી શરૂ થશે. શનિવાર રાતથી દ્વારકામાં પાણી પુરવઠો ફરી શરૂ થશે.
10 જુલાઈના રોજ બવાના નજીક કેનાલ તૂટી ગઈ હતી.
વાસ્તવમાં મુનક કેનાલનો એક ભાગ તૂટવાને કારણે 10મી જુલાઈની રાત્રિથી બવાનાના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. બવાનાની જેજે કોલોની અને આસપાસના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીં પૂર જેવી સ્થિતિ છે, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલોનીમાં ભરાયેલા પાણીને પંપની મદદથી દૂર કરવામાં આવી રહ્યું છે. મુનાક કેનાલનો આ ભાગ તૂટ્યા બાદ હરિયાણામાં જ કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. બવાનામાં જ્યાં કેનાલ તુટી ગઈ હતી ત્યાં રીપેરીંગની કામગીરી ચાલી રહી હતી. હવે આ કામ પૂર્ણ થયું છે.
અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા હતી
નોંધનીય છે કે ગત ગુરુવારે દિલ્હીના જળ મંત્રી આતિશીએ પણ અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આતિશીના કહેવા પ્રમાણે, દિવાલ તૂટવાને કારણે દિલ્હીના ચાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જો કે, ત્રણેય ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ અન્ય માધ્યમથી પાણી પહોંચે છે અને ત્યાં પુરવઠો સામાન્ય છે. દ્વારકા ટ્રીટમેન્ટ પ્લાન્ટને અહીંથી પાણી આપવામાં આવે છે. તેથી શનિવાર સુધીમાં ત્યાં પાણી પુરવઠો સામાન્ય થઈ જવાની શક્યતા છે.