Delhi Airport : નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકન દેશ અંગોલાથી આવેલી એક મહિલા પાસેથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ કોકેઈનની 34 કેપ્સ્યુલ રિકવર કરી છે, જેની બજાર કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે મહિલાએ આ કેપ્સ્યુલ્સ ગળી હતી એટલે કે તે પોતાના પેટમાં છુપાવીને લાવી હતી. વિભાગે ગુરુવારે આપેલી માહિતી મુજબ આરોપી મહિલાને 2 જુલાઈએ દોહાથી દિલ્હી આવ્યા બાદ એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી.
કસ્ટમ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મુસાફરની અંગત તપાસ પર 8 અંડાકાર કેપ્સ્યુલ મળી આવી હતી. પેસેન્જરે અધિકારીઓને કહ્યું કે તેણે માદક દ્રવ્યો અથવા સાયકોટ્રોપિક પદાર્થો ધરાવતી કેપ્સ્યુલ્સનું સેવન કર્યું હતું. આ પછી મહિલા પેસેન્જરને મેડિકલ પ્રક્રિયા માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
નિવેદન અનુસાર, ‘સફદરજંગ હોસ્પિટલમાં તેમના રોકાણ દરમિયાન તેમના પેટમાંથી 34 કેપ્સ્યુલ કાઢવામાં આવ્યા હતા. લગભગ 515 ગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂ. 7.04 કરોડ છે, આ તમામ કેપ્સ્યુલ્સમાંથી (એરપોર્ટ પર રિકવર કરાયેલી કેપ્સ્યુલ્સ સહિત) મળી આવી હતી.
આ પછી આરોપી મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને કોકેઈન પણ જપ્ત કરવામાં આવી હતી. અન્ય એક કેસમાં, IGI એરપોર્ટ પર 1.2 કરોડની કિંમતના ગાંજાના દાણચોરી માટે એક ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી.
આ મુસાફરને 6 જુલાઈએ બેંગકોકથી શારજાહ થઈને આવ્યા બાદ રોકી દેવામાં આવ્યો હતો. તેના સામાનની તપાસ કર્યા પછી, કસ્ટમ અધિકારીઓએ તેની બેગમાં છુપાયેલ 2.4 કિલોગ્રામ ગાંજો શોધી કાઢ્યો, નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 1.2 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો પણ જપ્ત કરવામાં આવ્યા છે.