IND vs ZIM: યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટીમનું સુકાન સંભાળી રહ્યો છે, જે 5 મેચની T20 શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ સિરીઝની પ્રથમ 2 મેચમાં ગિલ બેટથી કોઈ ખાસ કમાલ દેખાડી શક્યો ન હતો, પરંતુ હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી T20 મેચમાં શુભમન ગિલના બેટથી શાનદાર અડધી સદી જોવા મળી હતી. આ મેચમાં ગિલે 49 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 182 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. અડધી સદી ફટકારવાની સાથે, ગિલ ભારતીય કેપ્ટન તરીકે એક ખાસ ક્લબનો પણ ભાગ બની ગયો.
ટી20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારનાર ગિલ બીજો સૌથી યુવા ભારતીય કેપ્ટન બન્યો છે
ગત મહિને પૂરા થયેલા T20 વર્લ્ડ કપ 2024માં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતો, ત્યાર બાદ ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો, ગિલને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ગિલે ત્રીજી T20 મેચમાં કેપ્ટન તરીકે શાનદાર ઇનિંગ રમી હતી, ત્યારે તે હવે ભારતીય કેપ્ટન તરીકે T20 ઇન્ટરનેશનલમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે. આ યાદીમાં સુરેશ રૈનાનું નામ પ્રથમ સ્થાન પર છે, જેણે 2010માં ઝિમ્બાબ્વે સામેની ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ દરમિયાન અડધી સદી ફટકારી હતી. તે સમયે રૈનાની ઉંમર 23 વર્ષ 198 દિવસ હતી. જ્યારે ગિલ હવે 24 વર્ષ 306 દિવસની ઉંમર સાથે આ યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.
T20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય કેપ્ટન
- સુરેશ રૈના – 23 વર્ષ 198 દિવસ (વિ. ઝિમ્બાબ્વે, 2010)
- શુભમન ગિલ – 24 વર્ષ 306 દિવસ (વિ. ઝિમ્બાબ્વે, 2024)
- વિરાટ કોહલી – 28 વર્ષ 305 દિવસ (વિ. શ્રીલંકા, 2017)
ભારતીય કેપ્ટન તરીકે T20માં વિદેશી ધરતી પર 5મો સૌથી વધુ સ્કોર બનાવ્યો
ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ત્રીજી ટી20 મેચમાં 66 રનની ઈનિંગ સાથે શુભમન ગીલે ભારતીય કેપ્ટન તરીકે આ ફોર્મેટમાં 5મો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવનું નામ પ્રથમ નંબર પર છે, જેણે વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતી વખતે 100 રનની ઈનિંગ રમી હતી. જ્યારે T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી રોહિત શર્માની 92 રનની ઇનિંગ આ યાદીમાં બીજા સ્થાને છે.
ભારતીય કેપ્ટન તરીકે વિદેશી ધરતી પર T20માં સર્વોચ્ચ સ્કોર
- સૂર્યકુમાર યાદવ – 100 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, વર્ષ 2023)
- રોહિત શર્મા – 92 રન (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વર્ષ 2024)
- વિરાટ કોહિલ – 85 રન (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2020)
- સુરેશ રૈના – 72 રન (વિ. ઝિમ્બાબ્વે, 2010)
- શુભમન ગિલ – 66 રન (વિ. ઝિમ્બાબ્વે, વર્ષ 2024)