Goa Train : હાલમાં સમગ્ર ભારત ચોમાસાની ઝપેટમાં છે અને ઘણી જગ્યાએ રેકોર્ડ બ્રેક વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયા બાદ હવે ગોવામાં પણ મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગોવાના પરનેમ રેલ્વે સ્ટેશન અને દક્ષિણ મહારાષ્ટ્રના માદુરે સ્ટેશન વચ્ચે સ્થિત ટનલની છતમાંથી પાણી ઉતરવાને કારણે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે કોંકણ રેલવે રૂટ પર ટ્રેનોની અવરજવર સતત બીજા દિવસે પણ પ્રભાવિત રહી હતી. રેલવે બુલેટિન મુજબ મુંબઈ-ગોવા એક્સપ્રેસ અને વંદે ભારત સહિત 12 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કોંકણ રેલવે રૂટનો ઉપયોગ કરતી બે ડઝનથી વધુ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, 9 જુલાઈ, મંગળવારે બપોરે લગભગ 2:30 વાગ્યે પરનેમ ટનલની છતમાંથી પાણી લીક થવાનું શરૂ થયું હતું. જો કે મંગળવારે મોડી સાંજે થોડા સમય માટે ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ફરીથી લીકેજ શરૂ થયું હતું, ત્યારબાદ બીજી વખત ટ્રેકને બંધ કરવો પડ્યો હતો. રદ કરાયેલી ટ્રેનોમાં મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસ તેમજ મુંબઈ-ગોવા જનશતાબ્દી એક્સપ્રેસ, મંડોવી એક્સપ્રેસ અને મુંબઈ મેંગલુરુ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
કોંકણ રેલવેએ માર્ગો સ્ટેશન પર હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. ડાયવર્ટ કરાયેલી અને રદ કરાયેલી ટ્રેનો અંગેની કોઈપણ માહિતી માટે મુસાફરો 0832 2706480 પર સંપર્ક કરી શકે છે. મંગળવારે, ગોવાના પરનેમમાં ટનલ પાણીથી ભરાઈ જતાં કોંકણ રેલ્વે માર્ગ પર ઘણી જગ્યાએ ટ્રેનોને રોકવામાં આવી હતી.
મડગાંવથી મુંબઈ જતી મંડોવી એક્સપ્રેસ અને જનશતાબ્દી એક્સપ્રેસ, જે 10 જુલાઈએ શરૂ થવાની હતી, તેને પણ મડગાંવ-મુંબઈ તેજસ એક્સપ્રેસ અને બે પેસેન્જર ટ્રેનો સાથે રદ કરવામાં આવી છે. અન્ય રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 12449 મડગાંવ જંક્શન-ચંદીગઢ એક્સપ્રેસ, ટ્રેન નંબર 12620 મેંગલુરુ સેન્ટ્રલ-લોકમાન્ય તિલક, ટ્રેન નંબર 20111 મુંબઈ CSMT – મડગાંવ જંક્શનનો સમાવેશ થાય છે. 9 જુલાઈથી શરૂ થનારી કોંકણકન્યા એક્સપ્રેસ યાત્રા સાવંતવાડી રોડ પર જ રોકાશે.