Mauritania: પશ્ચિમ આફ્રિકન દેશ મોરિટાનિયાના દરિયાકાંઠે આ અઠવાડિયે એક સ્થળાંતરિત બોટ પલટી જતાં 105 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન માત્ર 89 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ શહેર એનડિયાગોમાં માછીમારી સંગઠનના પ્રમુખ યાલી ફોલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો સોમવારથી કિનારેથી ખેંચાયેલા મૃતદેહોને દફનાવી રહ્યા હતા. સ્થળાંતર અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે કેનેરી ટાપુઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે 2024 ના પ્રથમ પાંચ મહિનામાં લગભગ 5,000 માઇગ્રન્ટ્સ દરિયામાં અણધાર્યા મૃત્યુ પામ્યા છે.
પશ્ચિમ આફ્રિકન દેશની સરકારી સમાચાર એજન્સી અને માછીમારી સંગઠનના વડાએ શુક્રવારે જણાવ્યું હતું કે બોટ પલટી જવાની ઘટના ગયા અઠવાડિયે બની હતી. કોસ્ટ ગાર્ડે 170 લોકો સાથે યુરોપ જઈ રહેલા 89 માઈગ્રન્ટ્સના મૃતદેહ બહાર કાઢ્યા છે. પાંચ વર્ષની બાળકી સહિત નવ લોકોને બચાવી લેવાયા છે. દક્ષિણ-પશ્ચિમ શહેર એનડિયાગોમાં માછીમારી સંગઠનના પ્રમુખ યાલી ફોલે શુક્રવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક 105 હતો.
માહિતી અનુસાર, પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠેથી કેનેરી ટાપુઓ સુધીનો એટલાન્ટિક સ્થળાંતરનો માર્ગ વિશ્વના સૌથી ઘાતક માર્ગોમાંથી એક છે. આ માર્ગનો ઉપયોગ સામાન્ય રીતે આફ્રિકન સ્થળાંતરીઓ સ્પેન પહોંચવા માટે કરે છે. ઉનાળો તેનો સૌથી વ્યસ્ત સમય છે.