ICC T20 World Cup 2024: રોહિત શર્માની બ્રિગેડે ICC T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી પર કબજો કર્યો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા પાસેથી જીત છીનવી લીધી અને તેના 11 વર્ષ જૂના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવી દીધો. ભારતે છેલ્લે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ICC ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ 2011 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવની વિકેટ 34 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ આ મેચમાં વિરાટ કોહલી કેટલાક રન બનાવવા માટે મક્કમ હતા. વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
આ સિવાય અક્ષર પટેલે 31 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શિવમ દુબે 16 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવ્યા હતા અને ભારતે સાત રને મેચ જીતી લીધી હતી. ભારતની આ જીતમાં અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાની બોલિંગ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીને તેની 76 રનની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
બુમરાહે આ સમયગાળા દરમિયાન આઠ મેચોમાં 29.4 ઓવર ફેંકી અને 15 વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન બુમરાહે માત્ર 4.18ના ઈકોનોમી રેટથી રન ખર્ચ્યા. બુમરાહની બોલિંગ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી અને આ જ કારણ હતું કે તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.