IND vs ENG: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમી ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ભારતીય ટીમ 2014 T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
રોહિત શર્માએ કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી હતી
ટીમ ઈન્ડિયા આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિચ શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રોહિતે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ પણ 13 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. અક્ષર પટેલ પણ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારતીય બોલરોનો જાદુ
ભારતીય બેટ્સમેન અને બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી. ઈંગ્લેન્ડની ટીમ 172 રનના જવાબમાં માત્ર 103 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ મેચમાં ભારતના સૌથી સફળ બોલર હતા. આ બંને બોલરોને 3-3 સફળતા મળી હતી. આ સાથે જ જસપ્રીત બુમરાહે પણ એક વિકેટ પોતાના નામે કરી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જોસ બટલરે પણ 23 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ સામે બદલો પૂરો કર્યો
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં આમને-સામને હતી. ત્યારે ઈંગ્લેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 169 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પરંતુ આ વખતે ભારતીય ટીમે એકતરફી રીતે જીત મેળવીને તેનો બદલો પૂર્ણ કર્યો.