T20 World Cup 2024: ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. જ્યારે પણ બંને દેશો વચ્ચે મેચ થાય છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 મેચ રમાઈ છે જેમાંથી 6માં ભારતીય ટીમે જીત મેળવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો દબદબો છે. બંને ટીમો વચ્ચેની મેચ ન્યૂયોર્કના મેદાન પર T20 વર્લ્ડ કપ 2024માં રમાશે. હવે આ પહેલા પણ પાકિસ્તાની ટીમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
ઈમાદ વસીમ ફિટ થઈ ગયો
ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ઈમાદ વસીમ ભારત સામેની મેચ પહેલા જ ફિટ થઈ ગયો છે. તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે. કોચ ગેરી કર્સ્ટને પાકિસ્તાનની મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી છે. ઇમાદને તેની પાંસળીમાં સમસ્યા હતી. આ કારણથી તે ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીની છેલ્લી મેચ રમી શક્યો ન હતો. આ પછી, તે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં પણ અમેરિકા સામે રમી શક્યો ન હતો.
પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે
ઇમાદ વસીમ ફિટ થતાં જ પાકિસ્તાની ટીમને રાહત મળી છે. કારણ કે શાદાબ ખાન અને આઝમ ખાન ટીમમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. આઝમ ખાનની જગ્યાએ ઇમાદને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. ઇમાદ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને તેણે પાકિસ્તાન સુપર લીગ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે વિકેટ લેવામાં માહિર છે અને લોઅર ઓર્ડર પર બેટિંગ કરી શકે છે.
નિવૃત્તિ પછી પુનરાગમન
ઇમાદ વસીમે વર્ષ 2023માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે ટી20 વર્લ્ડ કપ 2024માં રમવા માટે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો. તેમણે કેન્દ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા ન હતા. તે આ વર્લ્ડ કપ માટે જ ટીમમાં આવ્યો હતો. તેણે પાકિસ્તાની ટીમ માટે 55 ODI મેચમાં 986 રન અને 44 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 72 T20I મેચોમાં 535 રન અને 70 વિકેટ લીધી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), સામ અયુબ, મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન, શાદાબ ખાન, ફખર જમાન, ઉસ્માન ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, અબરાર અહેમદ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ.