કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2025 સીઝન પહેલા બેટ્સમેન અજિંક્ય રહાણેને ટીમના કેપ્ટન તરીકે જાહેર કર્યા છે, જ્યારે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર ટીમના ઉપ-કેપ્ટન રહેશે. રહાણેના નેતૃત્વમાં, KKR ટીમ ટાઇટલ બચાવવાના ઇરાદા સાથે પ્રવેશ કરશે. ગયા સિઝનમાં, શ્રેયસ ઐયરે ટીમની કમાન સંભાળી અને 10 વર્ષની રાહ જોયા બાદ ટીમને ટાઇટલ સુધી પહોંચાડી. શ્રેયસ આ વખતે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે, તેથી KKR નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે.
પ્રથમ મેચમાં KKRનો મુકાબલો RCB સામે થશે
વેંકટેશ ઐયરને KKR એ સૌથી વધુ કિંમતે ખરીદ્યો હતો અને આગામી સિઝનમાં તે રહાણે સાથે મળીને કામ કરશે. વેંકટેશ લાંબા સમયથી કોલકાતા ફ્રેન્ચાઇઝનો ભાગ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR IPL 2025 માં તેમના અભિયાનની શરૂઆત 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે કરશે.
રહાણે ટાઇટલ બચાવવા માટે તૈયાર છે
કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી, રહાણેએ કહ્યું કે, IPL માં સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંની એક KKR ની કેપ્ટનશીપ કરવી એ સન્માનની વાત છે. મને લાગે છે કે અમારી ટીમ સંતુલિત અને ઉત્તમ છે. હું ટાઇટલ બચાવવાના પડકારનો સામનો કરવા માટે બધા સાથે કામ કરવા આતુર છું.”
રહાણે પાસે કેપ્ટનશીપનો અનુભવ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં બે વર્ષ વિતાવ્યા બાદ રહાણે KKR માં પરત ફરી રહ્યો છે. તેણે ટી20 ખેલાડી તરીકે પોતાને સાબિત કર્યું છે. રહાણેએ 2022 સીઝનમાં KKR માટે સાત મેચ રમી અને 133 રન બનાવ્યા. મુંબઈના આ અનુભવી બેટ્સમેનને આઈપીએલમાં કેપ્ટનશીપનો પણ અનુભવ છે. રહાણેએ 2018 અને 2019 સીઝનમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કર્યું હતું. રહાણે મુંબઈ રણજી ટીમનો કેપ્ટન છે અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ દરમિયાન તે ભારતીય ટીમનો નિયમિત ઉપ-કેપ્ટન પણ હતો.