મહારાષ્ટ્રના બુલઢાણાના ૧૮ ગામડાઓમાં લગભગ ૩૦૦ લોકો અચાનક ટાલ પડવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આમાં કોલેજના વિદ્યાર્થીઓથી લઈને સ્કૂલના બાળકો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધો સુધી, તમામ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. હવે આ ટાલ પડવાની બીમારી અંગે એક મોટો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રહેતા લોકોમાં અચાનક વાળ ખરવાની સમસ્યા ઘણા અઠવાડિયાથી રહસ્ય બની રહી છે. જેના કારણે નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સંશોધકે શું કહ્યું?
સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ પાછળનું કારણ તેઓ જે ઘઉં ખાઈ રહ્યા છે તેમાં રહેલું ઝેરી પદાર્થ છે. જેનો આ રોગ સાથે સંબંધ છે. સંશોધનમાં જાણવા મળ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ વહેંચવામાં આવતા ઘઉંમાં સેલેનિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. જ્યારે તેમાં ઝીંકનું પ્રમાણ ખૂબ ઓછું હતું.
અસરગ્રસ્ત વિસ્તારના ઘઉંના અમારા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેમાં સ્થાનિક રીતે ઉગાડવામાં આવતી જાત કરતાં 600 ગણું વધુ સેલેનિયમ હતું. એવું માનવામાં આવે છે કે વધુ પડતું સેલેનિયમ લેવાથી એલોપેસીયાનું જોખમ વધે છે. આ ગામડાઓમાં, લક્ષણો દેખાયા પછી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણ ટાલ પડી ગઈ.
સેલેનિયમ શરીરમાં કઈ સમસ્યાઓનું કારણ બની શકે છે?
ઘઉંના નમૂનાઓ થાણે સ્થિત વર્ની એનાલિટીકલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં સેલેનિયમનું સ્તર ૧૪.૫૨ મિલિગ્રામ/કિલો જોવા મળ્યું. જે સામાન્ય ૧.૯ મિલિગ્રામ/કિલોગ્રામ કરતા ઘણું વધારે છે. ડૉ. બાવસ્કરે એમ પણ કહ્યું કે ઘઉંના આ બધા કન્સાઇન્મેન્ટ પંજાબથી આવ્યા હતા. તેમણે કહ્યું કે લોહી, પેશાબ અને વાળના નમૂનાઓમાં સેલેનિયમના સ્તરમાં 35 ગણો, 60 ગણો અને 150 ગણો વધારો જોવા મળ્યો હતો. આ દર્શાવે છે કે વધુ પડતું સેલેનિયમ લેવાથી આવા રોગોનું જોખમ વધે છે. અમારી ટીમે એવું પણ શોધી કાઢ્યું કે એવા વ્યક્તિઓ હતા જેમના શરીરમાં ઝીંકનું પ્રમાણ ખૂબ ઓછું હતું. સેલેનિયમના કારણે તેમના શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ છે.