ઓગસ્ટ 2024 માં બાંગ્લાદેશના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કરનાર વિદ્યાર્થી જૂથ હવે એક નવો રાજકીય પક્ષ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. હસીનાની સરકારને ઉથલાવી પાડવા માટે ચળવળ ચલાવનારા એ જ વિદ્યાર્થી જૂથોએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે લોબિંગ કર્યું હતું. પરંતુ નવા રાજકીય પક્ષમાં તેમની કોઈ ભૂમિકા હશે કે નહીં તે અંગે કોઈ ચર્ચા નથી. જોકે, યુનુસે પહેલેથી જ કહી દીધું છે કે રાજકારણમાં પ્રવેશવાનો તેમનો કોઈ પ્લાન નથી.
બાંગ્લાદેશી વિદ્યાર્થી જૂથ સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન દ્વારા શેખ હસીના વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. તેના અગ્રણી નેતા નાહિદ ઇસ્લામ હાલમાં વચગાળાની સરકારનો ભાગ છે. પરંતુ એવી ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં નવા પક્ષમાં કન્વીનર તરીકે જોડાશે. આ ઘટનાક્રમ પર નજર રાખતા બે સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી જૂથ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન એક નવી પાર્ટી શરૂ કરી શકે છે.
હસીનાએ સત્તા ગુમાવ્યા પછી, બાંગ્લાદેશમાં નવી ચૂંટણીઓ અંગે સતત અનિશ્ચિતતા પ્રવર્તે છે. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર યુનુસ કહે છે કે દેશમાં 2025 ના અંત સુધીમાં ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે યુવા વિદ્યાર્થી નેતાઓ દ્વારા રચાયેલી પાર્ટી દેશના રાજકીય પરિદ્રશ્યને બદલી શકે છે.
બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં આ નવા પક્ષ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ યુનુસના કાર્યાલય કે નાહિદ ઇસ્લામે નવા રાજકીય પક્ષ શરૂ કરવાના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
અગાઉ, અનામતના મુદ્દા પર શરૂ થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોએ પડોશી રાજ્યમાં એટલું હિંસક વળાંક લીધો કે એક દાયકાથી વધુ સમય સુધી સત્તામાં રહેલી શેખ હસીનાને બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું. વિરોધીઓ તેમના વડા પ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. આ પ્રદર્શન પછી બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ ફેલાઈ ગઈ. અત્યાર સુધી આ દેશ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.