South Africa: દક્ષિણ આફ્રિકામાં ઐતિહાસિક ચૂંટણી પરિણામમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને સંસદમાં બહુમતી મળી નથી. દક્ષિણ આફ્રિકાને રંગભેદથી મુક્ત કરનાર ANC પક્ષે 30 વર્ષમાં પ્રથમ વખત બહુમતી ગુમાવી દીધી.
બુધવારે યોજાયેલી ચૂંટણીમાં લગભગ 99 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે. જેમાં ANCને માત્ર 40 ટકા વોટ મળ્યા હતા. 2019ની સંસદીય ચૂંટણીમાં નેલ્સન મંડેલાની પાર્ટીને 57.5 ટકા વોટ મળ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ઔપચારિક રીતે અંતિમ પરિણામો જાહેર કરવાના બાકી છે.
જોકે, ANC હજુ પણ સૌથી મોટી પાર્ટી રહેશે. પરંતુ, સરકારમાં રહેવા અને રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને ફરીથી ચૂંટવા માટે ગઠબંધન બનાવવું આવશ્યક છે. સંસદ રાષ્ટ્રીય ચૂંટણીઓ પછી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિની પસંદગી કરે છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો અનુસાર મુખ્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિક એલાયન્સને 21 ટકા વોટ મળ્યા છે.
તે જ સમયે, પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાની પાર્ટી ન્યૂ એમકે પાર્ટીને 14 ટકા વોટ મળ્યા છે. ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાતના 14 દિવસની અંદર સંસદ રાષ્ટ્રપતિની પસંદગી કરશે. MK પાર્ટીએ કહ્યું કે તે ANC પાર્ટી સાથે કોઈપણ સમજૂતી માટે તૈયાર છે પરંતુ રામાફોસાને ANC નેતા અને પ્રમુખ પદેથી હટાવવા જોઈએ. 50 થી વધુ પક્ષોએ રાષ્ટ્રીય ચૂંટણી લડી હતી.