કેટલાક રાજ્યોના ખેડૂતોને મોટી રાહત આપતા, કેન્દ્ર સરકારે સોયાબીન અને મગફળીની ખરીદીની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોયાબીન અને મગફળીની ખરીદી માટે સમય મર્યાદા વધારવાને મંજૂરી આપી છે. આનો લાભ મોટી સંખ્યામાં ખેડૂતોને મળશે.
આ રાજ્યોના ખેડૂતોને ફાયદો થશે
સરકારના નિર્ણય બાદ, પીએમ-આશા યોજના હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રમાં સોયાબીન ખરીદીની અંતિમ તારીખ 24 દિવસ અને તેલંગાણામાં 15 દિવસ લંબાવવામાં આવી છે. જ્યારે કર્ણાટકમાં મગફળી ખરીદવાની અંતિમ તારીખ 25 દિવસ અને ગુજરાતમાં છ દિવસ લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી ચાર વર્ષ સુધી તુવેર, મસુર અને અડદ દાળની 100 ટકા ખરીદી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કઠોળનું સ્થાનિક ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત કઠોળના સંદર્ભમાં આત્મનિર્ભર બનશે.
પીએમ આશા યોજનામાં ભાવ સહાય યોજના (PSS), ભાવ ઉણપ ચુકવણી યોજના (PDPS), બજાર હસ્તક્ષેપ યોજના (MIS) અને ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) જેવા વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે પીએમ આશા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ આપવાનો છે તેમજ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.
અત્યાર સુધીમાં આટલું સોયાબીન ખરીદવામાં આવ્યું છે
કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખરીફ સિઝન 2024-25 માટે છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તેલંગાણામાં સોયાબીનની ખરીદીને મંજૂરી આપી છે. ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં, ૧૯.૯૯ લાખ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવી છે, જેનાથી ૮,૪૬,૨૫૧ ખેડૂતોને ફાયદો થયો છે. તેવી જ રીતે, સરકારે ખરીફ 2024-25 માટે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં ભાવ ટેકાના ભાવે મગફળીની ખરીદીને મંજૂરી આપી છે.